સતત વધી રહેલી મોંઘવારીના પરિણામે જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. ત્યારે વધુ એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. આજે સિંગતેલ અને કપાસિયા તેલ બન્નેમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. એક તરફ લગ્નગાળાની સીઝન શરુ થઇ છે તેની સાથે જ ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોનું બજેટ ખોરવાયું છે.
આજે સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ.20નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.2730 થયો છે જયારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને 2600 થયો છે. ખાદ્યતેલ ઉપરાંત શાકભાજી, ઘરેલું ગેસની કિંમતોમાં પણ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો બીજી તરફ સીએનજી અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. જેના પરિણામે મધ્યમવર્ગના લોકો મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાની સરખામણીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડીઝલના ભાવમાં પણ પાછલા મહિનાની સરખામણીએ 12 ટકાનો વધારો થયો છે. જ્યારે એલપીજીના ભાવમાં પાછલા મહિનાની સરખામણીમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે.
અગાઉ પણ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારે આજે ફરી રૂ.20નો વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાં 15 કિલો મગફળી તેલના ડબ્બાની કિંમત 2550 રૂપિયા હતી, જે હવે 2730 રૂપિયા થઈ ગઈ છે. અને કપાસિયા તેલના એક ડબ્બાના ભાવ 2600 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.