ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના યુવા ભાજપા દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન સમી “આઝાદી કા અમૃત મહોત્સવ” સંદર્ભે સમગ્ર રાજ્યભરમાં યોજવામાં આવેલી યાત્રા અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ યાત્રાનું આગમન થયું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ યાત્રા સાથે ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ભવ્ય બાઇક રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ જાજરમાન યાત્રાના ભવ્ય સ્વાગત સહિતના સફળ આયોજનને પાર્ટીના ઉચ્ચ આગેવાનો તથા હોદ્દેદારોએ નોંધપાત્ર ગણાવી, જિલ્લાના યુવા કાર્યકરોને શુભેચ્છાઓ આપી હતી.
આ બાઈક રેલીનું બપોરના સમયે ખંભાળિયાના પાદરમાં આગમન થતાં અહીં પુષ્પવર્ષા, મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અને ખંભાળિયા શહેરમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ અને દ્વારકા જિલ્લા યુવા ભાજપ પ્રમુખને ઘોડા પર સવાર થઈને યાત્રાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેરની આવડત તથા જહેમત સાથે જિલ્લા ભાજપ અને યુવા ભાજપ દ્વારા રેલીમાં તમામ આગેવાનો હોદ્દેદારોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ખંભાળીયા જામનગર માર્ગ પરના ઝાખર, દેવરિયા, દાતા બાદ અહીંના રેલવે સ્ટેશન રોડ, નગર ગેઈટ બાદ અત્રે જોધપુર ગેઈટ ચોકમાં વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા શહેરમાં આ ભવ્ય રેલી તથા શોભાયાત્રા સંપન્ન થયા બાદ તાલુકાના કેશોદ ગામના વીર જવાન કરશનભાઈ આંબલીયાના રાજ્સ્થાનમા બીએસએફ જવાનનું અકાળે અવસાન થતાં તેમના પરીવારજનોને મળીને સાંત્વના આપી હતી. ત્યાર બાદ રાવલ ચોકડી ખાતે પણ સ્થાનિક ભાજપના અગ્રણીઓ જોડાયા હતા.
આ રેલીના પ્રારંભે અહીંના જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના સહયોગથી ઉપસ્થિત તમામ આગેવાનો- હોદ્દેદારોને કેસરી ઉપરણા તથા દ્વારકાધીશજીની છબી વડે આવકારી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિશાળ અને ભવ્ય તથા અતિ સફળ બની રહેલી યાત્રા અને બાઇક રેલીથી પ્રભાવીત થયેલા પ્રદેશ યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.