જામનગરમાં પ્રાર્થનાસભાઓ માટેના પાબારી હોલનું સંચાલન આગામી પાંચ વર્ષ માટે હોલના દાતા પરિવારને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જામ્યુકોની 10 ડિઝલ આધારિત સીટી બસ હાલના કોન્ટ્રાકટરને જ ચલાવવા માટે વધુ એક વર્ષની મુદ્ત આપવામાં આવી છે. જ્યારે જામ્યુકોની રિબેટ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 1.55 કરોડના જુદા જુદા મેયન્ટેન્સ અને વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં તળાવની પાળે આવેલા પાબારી હોલનું સંચાલન પાંચ વર્ષ માટે તેના દાતા પરિવારને સોંપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભામાં મૂકવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં ચાલતી 10 ડિઝલ આધારીત સીટી બસનું સંચાલન હાલના જ કોન્ટ્રાકટરને વધુ એક વર્ષ માટે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જામ્યુકોએ જાહેર કરેલી રિબેટ યોજનાને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ અમલવારી માટે બહાલી આપવામાં આવી હતી.
આ બેઠકમાં ડે.મેયર તપન પરમાર, કમિશનર ખરાડી, ડે.કમિશનર વસ્તાણી તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.