જામનગર શહેરના કોમલનગર વિસ્તારમાં બે સપ્તાહ પૂર્વે માંગેલા દસ હજાર ન આપતા યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ઈન્દીરા કોલોની પાસે આવેલા રાવલવાસ વિસ્તારમાં રહેતાં મહેશ ઉર્ફે સંજલો ગોહિલ નામના શખ્સે મયુરનગરમાં રહેતાં મહેશ ગોવિંદભાઈ રાઠોડ નામના મજુરીકામ કરતા યુવાન પાસે બે સપ્તાહ પૂર્વે રૂપિયા દસ હજાર માંગ્યા હતાં. પરંતુ, મહેશે આ રકમ ન આપતા મંગળવારે રાત્રિના સમયે મહેશ કોમલનગર રોડ પરથી પસાર થતો હતો ત્યારે મહેશ ઉર્ફે સંજલો ગોહિલ, વિપુલ રમેશ વાઘેલા, કાલી શંકર શેખવા નામના ત્રણ શખ્સોએ આંતરીને પ્લાસ્ટિકના ચાબુક જેવા વાયરથી વાંસામાં અને સાથળના ભાગે માર માર્યો હતો તેમજ લાકડાના ધોકા વડે ડાબા હાથમાં ઇજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા મહેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે ઈજાગ્રસ્ત મહેશના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.