જામનગરના ગુલાબનગર વિસ્તારમાં સમાધાન માટે બોલાવેલા બે શખ્સોએ યુવાન ઉપર લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના મેઘપર ગામના વાહનની વળાંક લેવા બાબતે યુવાનને બે શખ્સોએ માર મારી ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જૂનાગઢમાં ખારી નદી રોડ પર રહેતાં અફઝલ દરજાદા નામના યુવાનની સાળી સાથે ચાર વર્ષથી જામનગરના મહમદહુશેન ગામેતીને પ્રેમ સંબંધ હતો અને આ સંબંધ દરમિયાન મહમદહુશેન અવાર-નવાર તેની પ્રેમિકા પાસેથી પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરતો હતો. પ્રેમી દ્વારા અપાતા ત્રાસની જાણ બનેવી અફઝલને કરી હતી. જેથી અફઝલે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી તેની પત્નીની બહેનપણીના ઘરે મહમદહુશેનને સમાધાન માટે બોલાવ્યો હતો. જ્યાં સોમવારે રાત્રિના સમયે સમાધાન માટે આવેલા મહમદહુશેન ગામેતી અને સમીર નામના બે શખ્સોએ અફઝલ અને તેની પત્ની સબનમ સાથે વાતચીત દરમિયાન અપશબ્દો કહ્યા હતાં.
તેમજ બન્ને શખ્સોએ અફઝલને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ લાકડાના ધોકાના ત્રણ ઘા મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ બાદ પોલીસમાં જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે અફઝલના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતાં વિક્રમસિંહ ખુમાનસિંહ જાડેજા નામના યુવાન સોમવારે સાંજના સમયે તેના વાહનમાં જામનગરથી ઘરે જતાં હતાં ત્યારે મેઘપર ગામના પાટીયા પાસે વળાંક લેતા સમયે ખંભાળિયા તરફથી 407 વાહનચાલકે વળાંક લેવા બાબતે નજીવી બોલાચાલી કરી હતી અને વાહનચાલક સંજયસિંહ ઉર્ફે સંજુબાબા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ વિક્રમસિંહને અપશબ્દો બોલી પાઈપ વડે માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં વિક્રમસિંહ દ્વારા ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જેના આધારે હેકો ડી.એમ. કંચવા તથા સ્ટાફે હુમલો અને ધમકીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.