સ્પીકમેકેના પ્રસ્થાપક પ્રો. કિરણ શેઠ દિલ્હીથી શરુ થયેલી તેમની સાયકલ યાત્રા દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. તા. 14 એપ્રિલના રોજ અમદાવાદના સાબરમતિ આશ્રમ ખાતે તેઓ આ યાત્રા પૂર્ણ કરશે. તા. 15 ઓગસ્ટ, 2022ના રોજ કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીની શરુ થનાર સાયકલ યાત્રા માટે પ્રો. શેઠની આ યાત્રા પ્રારંભ સમાન છે.
45 વર્ષના કાર્યકાળમાં સ્પીકમેકેએ ભારતીય સંસ્કૃત્તિ અને વારસાના ગુઢ રહસ્યોનો અનુભવ અને પ્રેરણા દરેક બાળક મેળવી શકે તેવા ધ્યેય સાથે તેના મુળિયા સમગ્ર વિશ્ર્વમાં ફેલાવ્યા છે. સમગ્ર વિશ્ર્વની શૈક્ષણિક સંસ્થાઓમાં શાસ્ત્રીય સંગીત, નૃત્ય, યોગ અને લોકકલાના વિવિધ કાર્યક્રમોના કોન્સર્ટસ, વર્કશોપ, ક્ધવેન્શન વગેરે દ્વારા આ કાર્ય શક્ય બન્યું છે. પ્રો. કિરણ શેઠની આ સાયકલ યાત્રાના ત્રણ મુખ્ય હેતુઓ છે. પહેલો હેતુ આપણા ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ વારસાની જાગૃતિ ભારતીય યુવાધનને મળે તે છે. બીજો હેતુ સ્પીકમેકે સંસ્થા પ્રત્યે વધુને વધુ લોકો તથા સ્વયંસેવકો જાગૃત થાય અને આ અભિયાનમાં જોડાવા માટેની પ્રેરણા મેળવે તે છે. ત્રીજો હેતુ સાયકલિંગને ઉત્પ્રેરીત કરવાનો છે કે, જે સ્વાસ્થ્ય અને મૈત્રીપૂર્ણ પર્યાવરણનો વિકલ્પ છે.
તા. 11 માર્ચના રોજ પ્રો. શેઠે આ યાત્રા ન્યુ દિલ્હીના રાજઘાટથી શરુ કરી છે અને ગુજરાતના અમદાવાદના સાબરમતિ તટે પવિત્ર ગાંધી આશ્રમમાં પૂર્ણ થશે. તેઓ 11મી એપ્રિલે સાયકલ દ્વારા ગુજરાતમાં પ્રવેશશે અને શામળાજી, મોડાસા, તાલોદ, ગાંધીનગર અને અમદાવાદની મુલાકાત લેશે જ્યાં તેઓ નીડ, નીફટ ગાંધીનગર, મારવાડી યુનિવર્સિટી અને અમદાવાદ યુનિ.ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોની મુલાકાત લેશે.
આ અભિાયનના પ્રણેતા પ્રો. કિરણ શેઠ 73 વર્ષની ઉંમરે આવી સફર કરે છે તે એક અસાધારણ ઘટના છે. 800 કિ.મી. કરતાં પણ વધારે લાંબી આ યાત્રા દરમિયાન હજારો લોકોનો સંપર્ક કરીને તેમને આગળ આવવા પ્રેરિત કરવા અને ભારતના અમૂલ્ય વારસા પ્રત્યે જાગૃત કરવા માટેનો પ્રયાસ છે.