Friday, November 22, 2024
Homeખબર સ્પેશીયલસ્વપ્ન અને હકીકત વચ્ચેનો તફાવત

સ્વપ્ન અને હકીકત વચ્ચેનો તફાવત

- Advertisement -

(નરી આંખે જોઈ શકાય, એ ફક્ત વાસ્તવિકતા છે, બંધ આંખે કલ્પી શકાય, એ કલ્પના થકી આપણી વાસ્તવિકતા છે.)
વાસ્તવિકતા અને આભાસ વચ્ચેનો છે, આ મોટો તફાવત,
વર્તમાન અને ભવિષ્ય થકી આ તો છે, જીવનનો તબક્કો યથાવત.

- Advertisement -

કોઈ પણ વ્યક્તિનો એક ધ્યેય હોય છે અને આ ધ્યેયની શરૂઆત, સુક્ષ્મ સ્વપ્ન સાથે થતી હોય છે. જીવનમાં કોઈ પણ સ્તરે પહોંચવા માટે, કારકિર્દી બનાવવા માટે તેમજ આપણને એક લક્ષ્યાંકની જરૂર હોય છે અને આ લક્ષ્યાંક, કોઈ એક સ્વપ્ન સાથે શરુ થાય છે. જયારે વાસ્તવિકતા, વ્યક્તિને ભવિષ્યનો માર્ગ સ્પષ્ટ કરે છે અને ત્યારે સ્વપ્ન થકી, એ માર્ગ પર ચાલવા, સ્વપ્ન આપણને અનુરોધ કરે છે અને આમ કોઈ પણ વ્યક્તિનું જીવન પસાર થતું હોય છે. કોઈ કહે છે કે સ્વપ્ન હંમેશા, સ્વપ્ન બનીને જ રહે છે, જયારે કોઈની વ્યાખ્યા, વાસ્તવિકતા એ પણ સ્વપ્નની નિશાની છે, તે છે પરંતુ જીવનમાં આ બંને માર્ગ એક-બીજાથી તદન અલગ છે પણ તેમ છતાં એકબીજાના પૂરક છે. વાસ્તવિકતાને ભેટવા, સ્વપ્નની જરૂર પડે છે અને સ્વપ્ન સેવવા, વાસ્તવિકતાની જરૂર પડે છે અને જયારે આ બંનેનો યોગ્ય સમન્વય થતો હોય છે ત્યારે જીવનની પરિભાષા, એક અલગ સ્તર પર રહી જતી હોય છે.

આ બંને વચ્ચે તફાવત શું છે? વાસ્તવિકતા, જે જીવનની એક માત્ર અને સાત્વિક બોલી છે, જયારે સ્વપ્ન, જે વ્યક્તિની મનોકામના અને દીર્ધ દ્રષ્ટિ પરથી આવતો, તેમના મનનો દ્રષ્ટિકોણ છે અને એ દ્રષ્ટિકોણ, જીવન, તેમની બોલીમાં ઉચ્ચારણ કરે, તેવું દરેક મનવી, તેમના દ્રષ્ટિકોણ, એટલે કે સ્વપ્ન પ્રમાણે ઈચ્છા રાખતો હોય છે પણ આપણે અગાઉ વાત કર્યા મુજબ, જીવન એમની એક જ બોલી અને એક જ શૈલીમાં કાયમ છે, તે છે વાસ્તવિકતા અને આપણી એટલે કે માનવજીવની માનસિકતા છે. સ્વપ્ન, એટલે કે એમના વિચારોનું માનસિક દર્પણ.. આપણું સ્વપ્ન જયારે જીવનની બોલી, એટલે કે વાસ્તવિકતા સાથે મળે છે અથવા સહમત થાય છે, ત્યારે એ દ્રષ્ટિકોણને યોગ્ય માર્ગ મળે છે અથવા સચોટ ન્યાય મળે છે તેવું કહી શકાય પરંતુ જયારે આપણું સ્વપ્ન, જીવનની વાસ્તવિકતા સાથે નથી મળતું અથવા આપણા સ્વપ્નને વાસ્તવિકતામાં પરિવર્તિત થવાનું એક આશાનું કિરણ નથી મળતું, ત્યારે સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્વપ્ન જોવાનું છોડી દઈએ છીએ અને માત્ર જીવનની વાસ્તવિકતા સાથે ચાલવાનું આપણે પસંદ કરીએ છીએ.

- Advertisement -

વાસ્તવિકતા અને સ્વપ્ન પૂરક હોય છે પરંતુ ક્યારેક વિરુદ્ધ પણ ચાલતા હોય છે. કોઈ પણ તબક્કામાં અથવા આપણો માનસિક દ્રષ્ટિકોણ ક્યારેક વધુ તો ક્યારેક વાસ્તવિકતાથી વધુ અપેક્ષા રાખતો હોય છે અને ત્યારે એ સ્વપ્ન ફક્ત સ્વપ્ન બનીને રહી જતું હોય છે પરંતુ જયારે કોઈ એક ખરાબ દ્રષ્ટિકોણ થકી આપણા સ્વપ્નને ઠેંસ પહોચે ત્યારે સ્વપ્ન સેવવાનું બંધ ન કરવું જોઈએ. જેમ કે, શાળામાં જયારે, કોઈ પણ વિષય વિશે આપણે નિરર્થક જતા હોઈએ ત્યારે આપણે શાળા કે અભ્યાસ છોડતા નથી પણ આપણે એ વિષયનો ત્યાગ કરીએ છીએ અથવા અવગણીએ છીએ અને ફરી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેમજ જીવનમાં કોઈ ક્ષેત્રે અથવા સ્વપ્ન પૂર્ણ ન થયા બાદ, આપણે આપણા વિચારો બદલીએ અથવા તેમની પર નિયંત્રણ રાખીએ, ફરી નવા તબક્કે અથવા અલગ પડાવે, અલગ વિચાર કે દ્રષ્ટિકોણ થકી, આપણું સ્વપ્ન, કદાચ વાસ્તવિકતાની ગતિમાં, વધુ ગતિથી પણ દોડે અને પ્રસિદ્ધિ તરફ ખૂબ જ જલ્દી પહોચે, તેવી શક્યતા પણ એટલી જ છે.

સ્વપ્ન અને વાસ્તવિકતા, આ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ સામાન્ય છે. સ્વપ્ન, જે ફક્ત આપણા વિચારો, દ્રઢતા અને માનસિક દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. જયારે જીવન ફક્ત એક જ વહેણમાં ચાલે છે, તેમના પ્રવાહની વચ્ચે, જયારે આપણી માનસિકતાનો સમન્વય થાય છે, ત્યારે આપણું સ્વપ્ન, જીવનની વાસ્તવિકતા સાથે ઉદય થાય છે પણ તફાવત થોડો અલગ વ્યાખ્યાયિત કરી શકાય. જીવન પાસે ફક્ત એક જ રૂચી છે અને એ રૂચી એમની એક જ પ્રવાહમાં ચાલે છે, જયારે આપણી સમીપ, આપણા વિચારો થકી, અલગ-અલગ માનસિકતા થકી, અલગ દ્રષ્ટિકોણ થકી વ્યસ્ત જન્મ લે છે અને તેમની રૂચી અને તેમનો પ્રવાહ અલગ ગતિ તથા અલગ માર્ગ પર ચાલતો હોય છે, ત્યારે આપણું સ્વપ્ન વૈવિધ્યતા સાથે, જીવનની રૂચી સાથે સહમત નથી થતું, ત્યારે વાસ્તવિકતા અને સ્વપ્ન, આમ બંને એકબીજાથી વિરુદ્ધ અને અલગ રહી જતા હોય છે.

- Advertisement -

હંમેશા આપણી માનસિકતા સાથે એટલે કે સ્વપ્ન મુજબ થશે તો સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે તફાવત શું રહેશે? સ્વપ્ન પ્રમાણે થશે, તો આપણે સિદ્ધ કરી શકીશું અને સિદ્ધ કર્યાનો આનંદ થશે પણ જયારે જીવનની વાસ્તવિકતા પ્રમાણે થશે અને આપણા સ્વપ્નની વિરુદ્ધ થશે ત્યારે હંમેશા આપણા માટે એ સ્વપ્ન યાદગીરી બનશે, ત્યારે આનંદ અને યાદગીરી વચ્ચે તફાવત રાખવો પણ એટલો જ આવશ્યક છે. આનંદ ફક્ત થોડા ક્ષણનો હોય છે, જયારે સ્વપ્ન થકી યાદગીરી, હંમેશા માટે હૈયે અંકિત થઇ જતી હોય છે. જીવનને હંમેશા એમના સિદ્ધાંત થકી વહેતું કરવું પડે છે, જયારે આપણે આપણા જ માનસિક વિચારો સાથે બાંધ-છોડ કરવી પડે છે. આપણી સાધના અને આસ્થા, જીવન કરતા અનેકગણી શક્તિશાળી છે. જીવનની વાસ્તવિકતાની મર્યાદા થકી નહી પણ આપણી ખૂબી તથા આપણી શક્તિ થકી ગૌરવ કરીએ.

થોડું સ્વપ્ન અને વાસ્તવિકતા થકી જીવનનું પ્રમાણ છે,
એ બંનેના પ્રવાહ થકી જ માનવીનું નિર્વાણ છે,
જીવનની ખામી તથા માનસિકતાની વૈવિધ્યતા થકી સમપ્રમાણ છે,
આમ, વ્યક્તિ અને જીવન થકી નિયમનું પણ એક પ્રમાણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular