કોરોનાના કારણે ભાણવડ-પોરબંદર-ભાણવડ બે લોકલ ટ્રેનો બંધ હતી જે ટ્રેનો ચાલુ કરાવવા સાંસદ પૂનમબેન માડમ સમક્ષ લોકોની રજૂઆત મળતાં સાંસદ દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતાં રેલવે દ્વારા આ ટ્રેન શરુ કરવાનો નિર્ણય કરાયો છે. તા. 14 એપ્રિલથી ભાણવડ-પોરબંદર વચ્ચે બે અનરિઝર્વ્ડ ડેઈલી પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ર્ચિમ રેલ્વેએ ભાવનગર ડિવિઝનના ભાણવડ-પોરબંદર સ્ટેશનો વચ્ચે 14મી એપ્રિલ, 2022 થી આગામી આદેશ સુધી બે અનારક્ષિત દૈનિક પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. તેમનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેનના અનરિઝર્વ્ડ કોચના ભાડા જેટલું હશે. આ ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે. ટ્રેન નંબર 09549/09550 ભાણવડ – પોરબંદર – ભાણવડ ટ્રેન નંબર 09550 (પોરબંદર – ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ સવારે 6 વાગ્યે ઉપડશે અને સવારે 7:35 વાગ્યે ભાણવડ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નં. 09549 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી દરરોજ સવારે 8 વાગ્યે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 9:50 કલાકે પહોંચશે.
તેમજ ટ્રેન નંબર 09551/09552 ભાણવડ – પોરબંદર – ભાણવડ ટ્રેન નંબર 09552 (પોરબંદર – ભાણવડ) પોરબંદર સ્ટેશનથી દરરોજ 19:00 કલાકે ઉપડશે અને 20:10 કલાકે ભાણવડ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર 09551 (ભાણવડ-પોરબંદર) ભાણવડ સ્ટેશનથી 21:30 કલાકે ઉપડશે અને 22:55 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં રાણાવાવ, રાણાબોરડી, શખપુર, તરસઈ અને વાંસજળીયા સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09549 ભાણવડ – પોરબંદર સવારે ભાણવડથી પોરબંદર જતી વખતે અને ટ્રેન નંબર 09552 પોરબંદર – ભાણવડ સાંજે પોરબંદરથી ભાણવડ જતી વખતે જશાપર સ્ટેશને ઉભી રહેશે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા કરવામાં વિનંતિ કરવામાં આવી છે. સાંસદના પ્રયાસથી આ પેસેન્જર ટ્રેન શરૂ થતાં યાત્રીકો અને સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઇ છે.