વંથલીના ઉમાધામ-ગાંઠિલા ખાતે આયોજિત મા ઉમિયાના 14મા મહા પાટોત્સવને વર્ચ્યુઅલી સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જળસંચય બાબતે આપણે જરા પણ ઉદાસીન રહેવું જોઈએ નહીં. દર વર્ષે ચોમાસા પહેલાં તળાવ ઉંડા કરવાનો, સાફ કરવાનો સંકલ્પ કરવો જરૂરી છે અને 2023ના ઑગસ્ટ મહિના પહેલાં ગુજરાતના દરેક જિલ્લામાં 75 સરોવર બનાવવાનો લક્ષ્યાંક પણ તેમણે આપ્યો હતો.
તેમણે જણાવ્યું કે આપણે ઉમિયા માતાના ભક્તો છીએ. ધરતી પણ આપણી માતા છે. આપણે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક કૃષિ તરફ વળીએ એ જરૂરી છે. તેમણે ઉમિયાધામ ગાંઠિલાના આ ધાર્મિક આસ્થાના કેન્દ્રને સામાજિક ચેતનાનું કેન્દ્ર બનાવવા પણ અનુરોધ કર્યા હતો હતો. સાથે સાથે તેમણે કોરોના મુદ્દે મહત્ત્વનું નિવેદન આપતાં કહ્યું કે કોરોના હજુ આપણી વચ્ચે જ હોવાથી નિયમોમાં લાપરવાહી બિલકુલ ચાલે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, આ પાવન ધામ શ્રદ્ધાના કેન્દ્રની સાથે સાથે સામાજિક ચેતનાનું કેન્દ્ર તેમજ પ્રવાસન માટે મહત્ત્વનું સ્થાન બની ગયું છે. મા ઉમિયાના આશિર્વાદથી 14 વર્ષના ગાળામાં વિવિધ પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો છે જે બદલ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-ગાંઠિલાના ટ્રસ્ટીઓ, ભક્તો અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભૂતકાળમાં પડેલા દુષ્કાળોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજ્યમાં જળસંચય, ચેકડેમ, ડ્રોપ મોર ક્રોપ, સૌની યોજના તેમજ જન આંદોલનથી જાગૃતતા આવી છે. આપણે દર ચોમાસા પહેલાં તળાવ ઉંડા કરવાનો સંકલ્પ કરીએ તો પાણીનો ઉચિત સંગ્રહ થશે. પાણી ધરતીમાં ઉતરશે. રાજ્યના મુખ્યમંત્રી પણ પ્રાકૃતિક ખેતીને સમર્પિત છે ત્યારે આપણે સૌ પ્રાકૃતિક ખેતી તરફ આગળ આવીયે એ જરૂરી બની જાય છે. આપણે 2023ના ઑગસ્ટ પહેલાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા જોઈએ. 2047માં જ્યારે દેશને 100 વર્ષ થાય ત્યારે આપણા ગામ, સમાજ, દેશ માટે કંઈક કર્યાનો સંતોષ મેળવી શકીએ. ઉપરાંત જે તળાવ હોય તેને ઉંડા, મોટા બનાવીએ. ઉમિયા માતાના ભક્તો જે કામ હાથમાં લ્યે તે અવશ્ય પૂરું કરે છે.