છોટી કાશી તરીકે સુપ્રસિદ્ધ જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ – સંગઠ્ઠનો – મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરી હેઠળ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ રામનવમીના મહા ઉત્સવ પ્રસંગે વિશાળ રામસવારીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રામસવારી ચાલીસ વર્ષ પૂર્ણ કરીને ૪૧ માં વર્ષમાં પ્રવેશી છે. કોરોના કાળના ૨ વર્ષ દરમ્યાન પ્રતિક શોભાયાત્રાના આયોજન પછી આ વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા ૨૪ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરીને ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામસવારી આજરોજ સાંજે સાડા ચાર વાગ્યે તળાવની પાળ બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ થઈ હતી. અને શહેરના મુખ્ય માર્ગો પર નગર ભ્રમણ કર્યું હતું. આ ઉપરાંત શોભાયાત્રાના માર્ગ પર ૫૧ જેટલા સ્થળોએ રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું સાથોસાથ પ્રસાદ અને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વર્ષે રામસવારીમાં મહાદેવહર મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીરામ-લક્ષ્મણ-જાનકીની મુખ્ય પાલખી સાથેનો સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર ફલોટ્સને ભગવા વસ્ત્રો થી તેમજ ભગવા રંગની ધ્વજાથી શુશોભીત કરાય હતા, અને ભવ્ય લાઇટીંગ સહિત સુશોભન સાથેનો આકર્ષક રથ તૈયાર કરવામાં આવ્યો હતો. સાથો સાથ ડી.જે. સીસ્ટમ-પ્રસાદ વિતરણ સહિતના અલગ અલગ ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર રામ સવારીનું ભવ્ય સ્વાગત કરવા માટે તેમજ શોભાયાત્રામાં જોડાનારા રામ સેવકો માટે ઠંડા પીણા – સરબત – છાસ તેમજ પ્રસાદનું વિતરણ કરવા માટે પાણીના પરબ અને સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓ સાથેના સ્થાયી ફલોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો હવાઇ ચોક, સેતાવડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબારગઢ, ચાંદીબજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન રામચંદ્રજીના મંદિરે રાત્રીના ૧૨-૦૦ વાગ્યે પૂર્ણ થશે અને ત્યાં લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા પછી મહાઆરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.
બાલાહનુમાન મંદિર ખાતે થી પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, હિંદુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરા, મહાદેવહર મિત્રમંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ), લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, કોર્પોરેટર સુભાષભાઈ જોષી, પાર્થ જેઠવા, ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, બાલાહનુમાન મંદિરના ટ્રસ્ટી વિનુભાઈ તન્ના સહિતના મહાનુભાવો દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.