ખંભાળિયા તાલુકામાં રહેતી સગીર વયની એક યુવતીનું અપહરણ કરી અને દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં આરોપી શખ્સ તથા મદદગારી કરનારા દંપતિના રિમાન્ડ શુક્રવારે સાંજે પૂર્ણ થતા અદાલતે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને ગત તા. 25 માર્ચના રોજ અપહરણ કરીને લઇ ગયા બાદ આ સગીરાના પરિવારનું સોનુ ગીરવે મૂકી અને પૈસા મેળવનાર તથા દુષ્કર્મ ગુજારવા સબબ સોનારડી ગામના પ્રદિપ જેન્તીલાલ રાઠોડ નામના શખ્સ સામેની નોંધાયેલી ફરિયાદ બાદ ખંભાળિયા પોલીસે ઉપરોક્ત શખ્સને રાજસ્થાનના જયપુર ખાતેથી દબોચી લીધો હતો. આ શખ્સને મદદગારી કરવા સબબ મૂળ રાજસ્થાનના કિશનગઢ ખાતેના વતની અને હાલ સુરતના કતારગામ ખાતે રહેતા યોગેશ સુરેશચંદ્ર જાંગીડ અને તેના પત્ની મનિષા યોગેશ જાંગીડની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. સગીરાના અપહરણ તથા દુષ્કર્મ અંગેના આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા ઉપરોક્ત ત્રણેય આરોપીઓને પોલીસે પાંચ દિવસના રિમાન્ડ ઉપર લઇ રાજકોટ, સુરત સહિતના સ્થળોએ તપાસ તથા નિવેદનો નોંધ્યા હતા. આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ શુક્રવારે સાંજે પૂર્ણ થતા અહીંના પી.આઈ. પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા આરોપીઓને અહીંની એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવતા મેજિસ્ટ્રેટ બુદ્ધદેવએ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.