રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરવા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત સૌ અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ થાય તે જોવા સૂચન કર્યું હતું. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે ઉપલબ્ધ બજેટનો જરૂરિયાતવાળા કામોમાં ઉપયોગ થાય, સરકારની યોજનાઓ તેના લક્ષ્યાંકો તથા વિકાસ કામો ઝડપભેર પુર્ણ થાય તેમજ લોકહિતના કામો ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી છે અને તે મુજબ કામગીરી હાથ ધરવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.
મંત્રીએ સુજલામ-સુફલામ સહિતની સિંચાઇ યોજનાઓ તથા માર્ગ-મકાનના કામોની જિલ્લામાં પૂર્ણ અમલવારી થાય તેમજ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલ રસ્તાઓ, કોઝ વે તથા ચેકડેમ સહિતના આનુસંગિક કામો ચોમાસા પહેલા પુર્ણ કરવા પણ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. મંત્રીએ બેઠકમાં જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, વીજળી, માર્ગ, આરોગ્ય સહિતની બાબતોમાં હકારાત્મક વલણ કેળવી આ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્વરે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું અને મુશ્કેલ જણાતા પ્રશ્ર્નો પરત્વે મંત્રીનું અંગત ધ્યાન દોરવા પણ ઉમેર્યું હતું. આ બેઠકમાં મંત્રીએ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, પાણી પુરવઠા વિભાગ, સિંચાઈ વિભાગ, મેહસુલ વિભાગ, પુરવઠા વિભાગ સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, અધિક નિવાસી કલેકટર એમ.પી.પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર રાયજાદા તેમજ જિલ્લા સંકલન સમિતીના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.