આજે રાજ્યના સરકારી તબીબોની હડતાળનો પાંચમો દિવસ છે. વિવિધ માંગણીઓ ન સંતોષાતા 10હજારથી વધુ સીનીયર તબીબો હડતાળ પર ઉતર્યા છે. ગઈકાલે તબીબોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં તબીબોની માંગ સ્વીકારવાની બાહેંધરી આપવામાં આવી છે. પરંતુ લેખિતમાં જણાવવામાં ન આવતા તબીબો પોતાની હડતાળ યથાવત રાખશે. જેના પરિણામે રાજ્યના સરકારી દવાખાનાઓમાં આવતા હજારો દર્દીઓ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ડોકટરોના પ્રશ્નોની માંગણીઓ અંગે સકારાત્મક અભિગમ દાખવીને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. અને ડોકટરોને તેમની હડતાળ સમેટી સેવામાં જોડવા પણ અપીલ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા તબીબોના NPPAની માંગણી સંદર્ભે સરકારે 1 જૂન 2019 થી 20 ટકા NPPA ચુકવણીનો નિર્ણય કર્યો છે. આ સાથે ડોકટરોને એરીયર્સની રકમ પાંચ સરખા હપ્તામાં ચૂકવવામાં આવશે. જેમાં પ્રથમ હપ્તો આ મહિને જ બીજો હપ્તો ઓકટોબર-2022, ત્રીજો હપ્તો એપ્રિલ-2023 અને ,ચોથો હપ્તો ઓકટોબર-2023, પાંચમો હપ્તો એપ્રિલ-2024 ના રોજ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તબીબોએ હડતાળ સમેટવાની મનાઈ કરી દીધી છે. તબીબોનું કહેવું છે કે, આવી જાહેરાતો અનેકવાર થઈ ચુકી છે પરંતુ તેનું અમલીકરણ નથી થતું.