ભારતમાં કહેવાય છે કે, મકરસંક્રાતિ બાદ સૂર્ય રાશિ અને દિશા બદલે છે અને હોળી બાદ ગરમી શરૂ થાય છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને પગલે આ તંત્ર ખોરવાયું છે એટલેકે જ દર વર્ષે ગરમી એક બાદ એક નવા રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવી રહી છે. માર્ચ, 2022નો મહિનો છેલ્લા 122 વર્ષોમાં સૌથી ગરમ રહ્યો હોવાનું એક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
માર્ચ મહિનાની શરૂઆતથી જ આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યાં છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. માર્ચ મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં પારો 40ને પાર કરી ગયો હતો, જે સામાન્ય રીતે જોવા મળતો ન હતો. ભારતીય હવામાન વિભાગના ઈતિહાસમાં આ મહિનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. અગાઉ માર્ચ 2010માં સામાન્ય સરેરાશ તાપમાન 33.09 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, જ્યારે માર્ચ 2022માં સરેરાશ તાપમાન 33.1 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. જો આપણે માર્ચ 2020ની વાત કરીએ તો ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી પડી હતી. માર્ચ 2022માં મહત્તમ, લઘુત્તમ અને સરેરાશ તાપમાન 33.1 ડિગ્રી, 20.24 ડિગ્રી અને 26.67 ડિગ્રી હતું. જ્યારે 1981-2010 સાથે સરખામણી કરીએ તો તે 31.24 ડિગ્રી, 18.87 ડિગ્રી અને 25.06 ડિગ્રી હતું. માર્ચ મહિના વિશે હવામાન વિભાગે ગરમી ઓછી પડશે તેવી આગાહી કરી હતી પરંતુ તે ખોટી સાબિત થઈ હતી.