- Advertisement -
ગુજરાતમાં વિશાળ દરિયાકાંઠો ધરાવતા દેશના છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે તાજેતરમાં રાજ્યના અધિક મુખ્ય સચિવનું આગમન થયું હતું. પ્રવર્તમાન સંજોગો તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી આતંકવાદી ગતિવિધિઓને ધ્યાને લઇ, આ સરહદીય જિલ્લાની ખાસ મુલાકાતે આવેલા ગાંધીનગરના અધિક મુખ્ય સચિવ રાજકુમાર તથા દરિયાઈ સુરક્ષા વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયાએ રાષ્ટ્રીય સલામતી અર્થે દરિયાઈ માર્ગેથી સંભવિત ભય અંગેના વિવિધ પાસાઓ તપાસ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ઉચ્ચ અધિકારીઓએ દ્વારકાના વિશ્વવિખ્યાત જગત મંદિરની મુલાકાત લઈ, મંદિરની સુરક્ષાની ચકાસણી કરી અને દેવસ્થાન સમિતિના ચેરમેન તથા જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી, એ.એસ.પી. નીધી ઠાકુર ઉપરાંત મંદિર સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી અને મંદિર સુરક્ષા બાબતે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલી ફિશરીઝ ગાર્ડની ઓફિસની મુલાકાત લઇ, માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરવા જતી વખતે તથા પરત આવતી વખતે થતી કાર્યવાહી અંગેની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સાથે ઓખા ખાતે પણ ફિશરીઝ કચેરી તથા ફિશરીઝ જેટીની મુલાકાત લઇ, જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દરિયાઇ સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ, કસ્ટમ, ફિશરીઝ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, મરીન ફોરેસ્ટ, વી.ટી.એમ.એસ. લાઈટ હાઉસ વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ યોજી, હાલની દરિયાઈ સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા અર્થે ઉપલબ્ધ સંસાધનો તથા મેન પાવર ઉપરાંત જરૂરી સુવિધાઓની માહિતી મેળવી અને દરિયાઇ સુરક્ષા તથા રાષ્ટ્રીય સુરક્ષા વધુ સુદઢ બને તે માટે અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી.
- Advertisement -