108ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ સહીત ઇમર્જન્સીમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ટ કામગીરી કરી રહ્યા છે અને સાથે-સાથે દર્દી પાસે રહેલ રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યાં છે.
હાલમાં જ આવો એક કીસ્સો જામનગર શહેરમાં પણ સામે આવ્યો છે. જેમાં જામનગર શહેરના દિગજામ સર્કલ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને ત્યારે જ ત્યાંથી કોલ પર જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ પસાર થઈ હતી.ત્યારે 108ના ઈ.એમ.ટી. કલ્પેશભાઈ કંથારીયા તેમજ પાઈલોટ કેશુભાઈ કારેણાએ બાઈક ચાલક વિજયભાઈની ગંભીર સ્થિતી જોઈ તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ તેઓની સારવાર ચાલુ કરી હતી અને હોસ્પિટલ પહોચાડ્યા હતા અને દર્દિના મોબાઈલમાંથી ફોન કરી દર્દિના સંબંધીને હોસ્પિટલ બોલાવ્યા હતા. અક્સ્માતનો ભોગ બનનાર વિજયભાઈ પાસે અકસ્માત વેળાએ લેપટોપ, મોબાઈલ, રોકડ રકમ સહિતની કિમંતી વસ્તુઓ હતી જે તમામ મુદ્દામાલ 108 ના સંનિષ્ઠ કર્મીઓ દ્વારા વિજયભાઈના સગાને પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતા. આ તમામ કિંમતી સામાન પરત મળતા તેમના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે 108 ના પ્રોજેક્ટ મેનેજર બિપિન ભેટારીયાએ 108 ની ટીમને બિરદાવી હતી.