મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીએ જૂગાર હેઠળ નોંધાયેલા ગુનાનો મુદામાલ છોડાવવા માટે નાગરિકના ભાઇના અને મિત્રો પાસેથી રૂા.2500 ની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનમાં જૂગારના નોંધાયેલા ગુનામાં પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ છોડાવવા માટે એક જાગૃત નાગરિક પાસેથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન કાનજીભાઈ ચૌધરી નામના પોલીસ કર્મીએ રૂા.2500 ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની માંગણી સંદર્ભે નાગરિકે ગાંધીનગર એસીબી મદદનીશ નિયામક કે.બી. ચુડાસમા સમક્ષ ફરિયાદ કરી હતી. જે સંદર્ભે મહેસાણા એસીબી પોલીસ ઈન્સ્પેકટર એ.વાય. પટેલ તથા સ્ટાફે છટકુ ગોઠવીને સાંથલ પોલીસ સ્ટેશનમાં જાગૃત નાગરિક પાસેથી રૂા.2500 ની લાંચ લેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન કાનજીભાઈ ચૌધરી નામના પોલીસ કર્મીને રંગે હાથ ઝડપી લીધા હતાં અને તેમના વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.