જામનગર શહેર-જિલ્લામાં ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં ગઇકાલે ત્રીજા દિવસે ધો. 10માં 14390 વિદ્યાર્થીઓ હાજર અને 403 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે ધો. 12માં કુલ 1485 વિદ્યાર્થીઓ હાજર અને 27 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ગઇકાલે ધો. 10ના ગણિતના પેપરમાં લાલપુરમાં એક કોપી કેસ નોંધાયો હતો. જો કે, ધો. 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઇ હતી.
ગત સોમવારથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં ગઇકાલે બુધવારે ધો. 10માં ગણિતનું પેપર લેવાયું હતું. જેમાં કુલ 14793 પરીક્ષાર્થીઓમાંથી 14390 વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે 403 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. લાલપુરના માધવ વિદ્યાલયમાં નિરિક્ષક ટીમે એક વિદ્યાર્થીને કોપી કરતાં પકડી પાડયો હતો. આ ઉપરાંત બપોરબાદ ધો. 12ની બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રીનું પેપર લેવાયું હતું. જેમાં 1558 પરીક્ષાર્થીઓ પૈકી 1536 પરીક્ષાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે 22 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ધો. 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષામાં તત્વજ્ઞાન વિષયના પેપરમાં 154 પરીક્ષાર્થીઓ પૈકી 149 વિદ્યાર્થીઓ હાજર અને પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ધો. 12ના બન્ને પ્રવાહનું બોર્ડ પરીક્ષાનો ત્રીજો દિવસ પણ શાંતિપૂર્ણ રહ્યો હતો.