જામનગરના પીજીવીસીએલ તંત્ર દ્વારા 31 માર્ચ ને અનુલક્ષીને વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ડોર ટુ ડોર વિજ બીલની રકમ એકત્ર કરતી ટીમોને દોડતી કરવામાં આવી છે. જેમાં એક સપ્તાહ દરમિયાન 9 કરોડ 22 લાખની સ્થળ પર વસૂલાત કરાઈ છે જ્યારે વીજ બિલ ભરવામાં ઠાગાઠૈયા કરતાં 3,704 આસામીઓના વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે.
જામનગર પીજીવીસીએલ ના તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં 21/03/2022 થી વિજ બિલની રકમ વસુલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના અનુસંધાને 27/03/2022 સુધીના 7 દિવસના સમયગાળા દરમિયાન 31,998 ગ્રાહકોના ઘરે-ઘરે ટુકડીને દોડતી કરવામાં આવી હતી અને તેઓ પાસેથી 9 કરોડ 22 લાખ 30 હજારની રકમ સ્થળ પર જ વસૂલ કરી લેવામાં આવી છે.
આ ઉપરાંત વિજબીલના નાણાં ભરવામાં બેદરકારી દાખવતા 3,704 વિજ ગ્રાહકોના વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે. જેઓ પાસેથી બે કરોડ 46 લાખની વીજ બિલની રકમ વસુલાત કરવાની બાકી છે. જેઓ પાસે નાણાં વસૂલ કરવા માટેની પ્રક્રિયાઓ ચલાવવામાં આવી રહી છે. વીજતંત્રની આ કાર્યવાહીને લઇને વીજ બિલ નહીં ભરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.