જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 50 વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાંથી અજાણ્યા તસ્કરો પિત્તળના બાચકાની ચોરી કરી ગયાના બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં 50 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા પરેશ એન્ટરપ્રાઈઝ નામના બ્રાસપાર્ટના કારખાનામાં ગત રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને કારખાનામાંથી પિત્તળના અનેક બાચકાઓ ચોરી કરી ગયા હતાં. આજે સવારે કારખાના સંચાલક દ્વારા ચોરીની જાણ પોલીસમાં કરવામાં આવી હતી. જેના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર તપાસ આરંભી સંચાલકની પૂછપરછ કરતાં તસ્કરો આશરે 70 હજારની કિંમતના પિત્તળના સામાન ભરેલા બાચકાઓની ચોરી કરી ગયાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ચોરીના સ્થળની આજુબાજુમાં રહેલા સીસીટીવીના ફૂટેજો નિહાળવા તપાસ આરંભી હતી અને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.