દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા પાસે આવેલ RSPL ઘડી કંપની દ્વારા છોડાતા પ્રદુષિત પાણી અને રોજગારીના મુદ્ે ખેડૂતો તથા સ્થાનિક ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે અને આજે ત્રીજા દિવસે શૌર્ય રાસ રમી અનોખુ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, કુરંગા સ્થિત આવેલ RSPL ઘડી કંપની વિરુધ્ધ ખેડૂતો અને સ્થાનિકોના ઉપવાસ આંદોલનનો આજે ત્રીજા દિવસે સ્થાનિકોએ શોર્ય રાસ દેશી ઢોલના તાલે રમી કંપની અને તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદુષિત પાણી, રોજગારી સહિતના મુદ્દે ઉપવાસ આંદોલન પર બેઠેલા સ્થાનિકોએ ઓખાની ગાથા યાદ કરી શૌર્ય રાસ રમી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. દેશી ઢોલના તાલે વાઘેર સમાજના લોકોએ શૌર્ય રાસની રમઝટ બોલાવી હતી આ રાસ રમી સ્થાનિકોએ ઓખા મંડળના અધભૂત શૌર્યને દર્શાવી તંત્ર અને કંપનીને એક સંદેશ આપ્યો હતો કે આ ઓખા મંડળની ધરતી છે જ્યાં અનેક શૂરવીરોએ ધરતી કાજે બલિદાન આપ્યા છે અંગે્રજો સામે પણ આ ઓખા મંડળ ઝુક્યું નહોતું તો આવી દાદાગીરી કરતી ઘડી કંપની સામે ખેડૂતો અન્યાય સહન નહીં કરે અને હિંમતભેર લડત આપશે.