જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટમાં કરદરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નહીં હોવાની જાહેરાત કરીને શહેરની પ્રજાને ‘ઉલ્ટા ચશ્મા’ પહેરાવવામાં આવતા હોવાની રજૂઆત શહેરના સ્વામિનારાયણનગર, હાલાર હાઉસ, અક્ષરવાટિકા વિસ્તારના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. રહેવાસીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મહાપાલિકાએ ફેકટર ચેંજના નામે પાછલાં બારણેથી મિલકત વેરામાં 50 ટકા જેટલો વધારો ઝીંકી દઇ તે અંગેના તફાવતની રકમના બીલ રહેવાસીઓને ફટકારવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
હાલારહાઉસ, સ્વામિનારાયણનગર વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મહાપાલિકાના વર્ષ 2022-23ના અંદાજપત્રમાં સીધી રીતે મિલકત વેરાના દરમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ, મહાપાલિકાએ ચાલાકીપૂર્વક શહેરના કેટલાંક વિસ્તારોમાં પરિબળો (ફેકટર) માં ફેરફાર કરી મિલકત વેરાના દરમાં સીધેસીધો 50 ટકા જેટલો તોતિંગ વધારો કરી નાખવામાં આવ્યો છે. ઉપરોકત વિસ્તારમાં મહાપાલિકાએ આ વિસ્તારના રહેવાસીઓની જાણ બહાર ફેકટર ચેંજ કરીને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવી લેતાં મિલકતધારકો પર 50 ટકા જેટલો વધારાનો કરબોજ આવી પડયો છે. વર્ષ 2018-19થી વર્ષ 2020-21 સુધીના મિલકત વેરાના બિલ મુજબની રકમ મિલકતધારકોએ ભરી દીધી હોવા છતાં જામ્યુકોની ટેકસ શાખા દ્વારા તેઓને પાછલાં ત્રણ વર્ષના તફાવતની રકમના બીલ ફટકારવામાં આવ્યા છે. આ અંગે રહેવાસીઓએ ટેકસ ઓફિસરને રજૂઆત કરી હતી. જેમની રજૂઆતના પ્રત્યુતરમાં જણાવાયું હતું કે, આ વિસ્તારનું ફેકટર એલ-4 માંથી એલ-3 કરવામાં આવ્યું છે. અર્થાત આ વિસ્તારને અપગ્રેડ કરવામાં આવ્યો છે.
બીજી તરફ રહેવાસીઓએ એવી રજૂઆત કરી છે કે આ વિસ્તારને ચોપડા ઉપર અપગે્રડ કરવામાં આવ્યો છે પરંતુ, સ્થાનિક સ્તર પર કોઇપણ જાતની સુવિધાઓમાં વધારોમાં કરવામાં આવ્યો નથી. ત્યારે જામ્યુકોના અધિકારી માત્ર આવક વધારવા માટે અને પ્રજાને ખંખેરવા માટે જ પરિબળ ચેંજ કરતી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. આ વિસ્તારના રહેવાસીઓએ માર્ચ-2021 માં મિલકત વેરા દરમાં વધારા અંગે કમિશનર, મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી તેમ છતાં સત્તાધિશો તરફથી કોઇ સંતોષકારક પ્રત્યુતર આપવામાં આવ્યો નથી તેમજ દર વધારાની બાબતને તેઓ જસ્ટીફાય પણ કરી શકયા નથી. ત્યારે હાલાર હાઉસના લગભગ 37000 જેટલા રહેવાસીઓ દ્વારા આ અંગે રાજ્યના મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.