તમિલનાડુમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવક જ્યારે તમિલનાડુના સલેમમાં બાઇક લેવા પહોંચ્યો ત્યારે શોરૂમના લોકો પણ ગભરાઈ ગયા હતા. કારણ કે તેની પાસે અઢી લાખ રૂપિયાના 1 રૂપિયાના સિક્કા હતા. જ્યારે યુવકને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેનું બાઇક ખરીદવાનું સપનું હતું, જેને પૂરું કરવા માટે તે ત્રણ વર્ષથી 1 રૂપિયાના સિક્કા એકઠા કરી રહ્યો હતો.
પહેલા શોરૂમના મેનેજરે એક રૂપિયાના સિક્કા જોઈને બાઇક વેચવાની ના પાડી દીધી હતી, પરંતુ યુવકનો બાઇક પ્રત્યે લગાવ જોઈને મેનેજરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. આ પછી, શોરૂમના કર્મચારીઓની સામે આ સિક્કાઓની ગણતરી કરવી કોઈ પડકારથી ઓછી ન હતી. આ તમામ સિક્કાઓને ગણવા માટે 10 લોકોને 10 કલાકનો સમય લાગ્યો હતો.
શોરૂમના મેનેજર મહાવિક્રાંતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું પહેલા સિક્કા સ્વીકારવા માંગતો ન હતો, પરંતુ આ યુવકના આગ્રહ સામે હારી ગયો. હું નહોતો ઈચ્છતો કે તેનું સપનું અધૂરું રહે. આ જ કારણ છે કે આપણે થોડું સહન કર્યું, પણ આપણા કારણે કોઈનું સપનું પણ સાકાર થયું.