એસીબીએ રાજકોટ પીજીવીસીએલના નાયબ ઇજનેરની 60,000 રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી છે. રાજકોટ એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા.
મળતી માહિતી અનુસાર ફરિયાદીને પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલાએ ડાયરેક્ટ તાર નાખી વીજ ચોરી કરી હોવાનુ જણાવી વીજચોરીનો કેસ દાખલ કરવાનુ અને તેમાં 5 લાખનો દંડ તથા જેલની સજા કરાવવાનો ડર બતાવી જો કેસ દાખલ ન થવા દેવો હોય તો 2 લાખની લાંચ માગી હતી. ફરીયાદીએ રકઝક કરતા અને ઓછુ કરવા જણાવતા 80,000 અને છેલ્લે 60,000 રૂપિયા આપવા જણાવ્યું હતું. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. જેના આધારે વિંછીયા ખાતે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર દાંતલા અને તેમના સહયોગી અજય ડાભીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 60,000 રૂપિયાની લાંચની રકમ માગી સહયોગી અજય ડાભીને આપી હતી. એ જ સમયે એસીબીની ટીમ આવી જતા બન્નેને રંગે હાથ ઝડપ્યા હતા. આરોપીઓની એ.સી.બી એ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.