જામનગર શહેરમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનની બહાર નિકળેલા યુવાનને તેની પત્ની, સસરા અને સાળાએ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતાં આકાશ ચંદુભાઈ ધોકાઇ નામના યુવાનને તેની પત્ની દિપાલીબેન સાથે મનદુ:ખ ચાલતું હતું. આ મનદુ:ખ સંદર્ભે દિપાલીબેને શુક્રવારે બપોરના સમયે પતિને મહિલા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને પતિ આકાશ મહિલા પોલીસ સ્ટેશનની બહાર નિકળ્યો ત્યારે તેની પત્ની દિપાલીબેન, સસરા મનસુખ હરિયાણી, સાળો આશિષ નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી ફડાકા માર્યા હતાં તેમજ ધમકી આપી મુંઠ વડે પેટમાં અને આંખની ઉપર તથા કાન પાછળના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી. આમ પોલીસ સ્ટેશન બહાર જ યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.
હુમલાના બનાવમાં ઘવાયેલા પતિ આકાશએ તેની પત્ની દિપાલીબેન, સસરા મનસુખ હરિયાણી, સાળો આશિષ હરિયાણી સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.