ખંભાળિયા શહેર કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે, અહીંની ખંભાળિયા નગરપાલિકા જાણે છેલ્લા કેટલાક સમયથી શ્રાપિત બની રહી હોય તેમ પાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસર મુકાયા નથી હાલ એક વર્ષના સમયગાળામાં દસમા ચીફ ઓફિસરે પોતાનો ચાર્જ સંભાળ્યો છે.
ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે છેલ્લે એ.કે. ગઢવી લાંબો સમય પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી અને બદલાયા બાદ મુકવામાં આવેલા ચીફ ઓફિસર કોઈ કારણોસર ખંભાળિયા નગરપાલિકામાં લાંબો સમય ટકી શક્યા નથી. આટલું જ નહીં, ઇન્ચાર્જ ચીફ ઓફિસર પણ કોઈપણ કારણસર અહીંથી ચાર્જ છોડીને જતા રહે છે. તાજેતરમાં ઓખામાં મુકવામાં આવેલા છે ઓફિસર પંડ્યાને ખંભાળિયા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ત્યારે હાલ તેમને પણ અહીંનો ચાર્જ મુકાવી અને જામજોધપુરના ચીફ ઓફિસર રાઘવજીભાઈ પટેલને અહીંના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે. જેણે પોતાનો ચાર્જ સંભાળ્યો છે.
આમ, છેલ્લા આશરે એક વર્ષના સમયગાળા દરમિયાન બે કાયમી તથા આઠ ઇન્ચાર્જ ચીફ ઓફિસર બદલાઈ ચૂક્યા છે. ઇન્ચાર્જ ચીફ ઓફિસરને પાલિકાના સદસ્ય દિલીપભાઈ ઘઘડા, સાથે હિતેન્દ્રભાઈ આચાર્ય, ઈમ્તિયાઝખાન લોદીન, કારૂભાઈ માવડીયા સહિતના આગેવાનો તેમજ સ્ટાફ દ્વારા આવકારવામાં આવ્યા છે. ખંભાળિયા શહેરના ખોરંભે ચડેલા વિકાસ કાર્યો અને ખોરવાતા વહીવટ વચ્ચે નવા મૂકવામાં આવેલા આ ઇન્ચાર્જ ચીફ ઓફિસર અહીં કેટલો સમય ટકશે અને ખંભાળિયા નગરપાલિકાને કાયમી ઓફિસર ક્યારે મળશે તે જોવું રહ્યું.