પુષ્કર સિંહ ધામી આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ પહેલા પુષ્કર સિંહ ધામીએ વચન આપ્યું છે કે, મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ તેઓ એ તમામ વચનો પૂરા કરશે જે ભાજપે ચૂંટણી પહેલા આપ્યા હતા. તેમાં યુનિફોર્મ સિવિલ કોડનો પણ સમાવેશ થાય છે. પુષ્કર ધામીએ વચન આપ્યું છે કે, તેઓ પારદર્શી સરકાર ચલાવશે અને ચૂંટણી પહેલા ભાજપે જે પણ વચનો આપ્યા હતા તેને પૂરા કરવામાં આવશે. યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા) પણ તેમાંથી એક છે. ચૂંટણી પહેલા ધામીએ પોતાની રેલીઓમાં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ ક્રયો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ કાયદો ઘડવા માટે કમિટીની રચના કરશે જેમાં કાયદાકીય નિષ્ણાંતો, વરિષ્ઠ નાગરિકો અને બુદ્ધિજીવીઓને સામેલ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સમાન નાગરિક સંહિતા એટલે કે, યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ થાય છે કે, ભારતમાં રહેનારા તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હશે, પછી ભલે તે કોઈ પણ ધર્મ કે જાતિના કેમ ન હોય. તેમાં લગ્ન, તલાક અને જમીન-જાયદાતના ભાગલામાં તમામ ધર્મ માટે એક જ કાયદો લાગુ થશે. આજે એટલે કે, બુધવારે બપોરે 2:30 કલાકે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે પુષ્કર સિંહ ધામી રાજ્યના 12મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ થશે.
ઉત્તરાખંડમાં લાગુ થશે સમાન નાગરિક ધારો
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજય બનશે : આજે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર પુષ્કરસિંહ ધામીએ આપ્યું છે વચન


