જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પકડાયેલા ડ્રગ્સને લગતાં પ્રશ્નો ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યા હતાં અને ગૃહમંત્રી પાસે ડ્રગ્સને લગત કામગીરી અંગે માહિતી માગવામાં આવી હતી.
ચાલુ વિધાનસભામાં વિક્રમભાઇ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તા. 31-12-21ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાંથી જિલ્લાવાર ગેરકાયદેસર ડ્રગ્સનો કેટલો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો? તથા ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી અટકાવવા શા પગલાં લેવામાં આવ્યા? અને ઉક્ત સ્થિતિએ વર્ષવાર કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને કેટલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે? તે અંગે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યા હતાં.
ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવેલ પ્રશ્નોના પ્રત્યુતરમાં ગૃહમંત્રી દ્વારા ચાલુ વિધાનસભામાં જણાવવામાં આવેલ હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 1-1-2020થી તા. 31-12-2020 સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જે કે ગાંજો (9.861) કિલોગ્રામ, ચરસ (6,732) કિલોગ્રામ પકડાયા હતાં. જ્યારે જામનગર જિલ્લામાં તા. 1-1-2020થી તા. 31-12-2020 સુધીમાં અલગ અલગ જાતના ડ્રગ્સ જેમ કે ગાંજો (5,510) કિલોગ્રામ, મેફેડ્રોન (26.85) મીલીગ્રામ, ડ્રગ્સનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો.
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ ઇન્સ્પેકટર એલસીબી/એસઓજી શાખાએ સખત પેટ્રોલિંગ રાખી બાતમીદારો મારફતે અને પોલીસ સ્ટેશનના સર્વેલનસ સ્કોડ/એચઓજી કર્મચારી દ્વારા માહિતી મેળવી આવા ગુના શોધી કાઢવા સૂચના કરવામાં આવે છે અને મરીન પોલીસ સ્ટેશન દ્વારા દરિયાઇ પેટ્રોલિંગ કરવામાં આવે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઇસમોને ખાનગી બાતમીદારોની માહિતી મેળવી તેઓની પ્રવૃત્તિ પર નજર રાખવા સ્ટાફના માણસોને સૂચના કરવાાં આવેલ છે અને જો કોઇ ડ્રગ્સનું વેચાણ કરતા કે હેરાફેરી કરવાવાળા ઇસમો મળી આવે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષવાર તા. 1-1-2020થી તા. 31-12-2020 સુધીમાં કુલ 31 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને 1 ઇસમની ધરપકડ કરવાની બાકી છે. જ્યારે જામનગર જિલ્લામાં તા. 1-1-2020થી તા. 31-12-2020 સુધીમાં કુલ 44 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને 6 ઇસમની ધરપકડ કરવાની બાકી છે તે મુજબનો પ્રત્યુત્તર ગૃહમંત્રી વિધાનસભામાં વિક્રમભાઇ માડમ દ્વારા ડ્રગ્સને લગતા પૂછેલ પ્રશ્ર્નોના સંબંધમાં આપેલ છે. તેમ ધારાસભ્ય વિક્રમભાઇ માડમના કાર્યાલયની અખબારી યાદીમાં જણાવે છે.