જામનગરના નવાનગરમાં રહેતાં અને રેસ્ટોરન્ટના સંચાલક પ્રૌઢ દંપતી અને એક પુત્રી તથા બે પુત્રો સહિત પાંચ સભ્યો ગત તા.11 માર્ચના રોજ એકાએક લાપતા થઈ જતાં પોલીસ દ્વારા પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસના પ્રાથમિક તારણમાં પરિવાર આર્થિક સંકળામણના કારણે ગામ બહાર ચાલ્યો ગયો હોવાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ગોકુલનગરમાં નવાનગર શેરી નંબર 5 માં પ્રફુલ્લભાઈના મકાનમાં રહેતા અને બજરંગ રેસ્ટોરન્ટ નામની ભાડાથી ચલાવવામાં આવતી હોટલનું સંચાલન કરતા અરવિંદભાઈ હેમંતભાઈ નિમાવત (ઉ.વ.52) અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત (ઉ.વ.45) ઉપરાંત પુત્રી કિરણબેન (ઉ.વ.26), પુત્ર રણજીત (ઉ.વ.24), કરણ નિમાવત (ઉ.વ.22) સહિત એક જ પરિવારના પાંચ વ્યકિતઓ ગત તા.11 માર્ચના દિવસે પોતાના ઘરેથી એકાએક લાપતા થઈ ગયા હતાં. ત્યારબાદ પરિવારની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન મળતા આ અંગનેી જાણના આધારે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે પરિવારના સભ્યોની શોધખોળ આરંભી હતી. શોધખોળ દરમિયાન પરિવારના સભ્યોના મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયા હોવાથી કોઇ સંપર્ક સાધી શકાયો નથી. સમગ્ર મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે. પ્રાથમિક તપાસ દરમિયાન સમગ્ર પરિવાર હોટલનું સંચાલન કરતો હતો અને છેલ્લાં કેટલાંક સમયથી આર્થિક સંકળામણ ભોગવતા હતાં. જો કે, પોલીસે આ પરિવાર ઉપર કોઇ દેણુ છે કે કેમ ? અને તેના કારણે તો ગામ મુકીને ચાલ્યા ગયા નથી ને? સહિતના મુદ્દાઓને ધ્યાને રાખીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. આ પરિવારના સભ્યો અંગે કોઇ માહિતી મળે તો હેકો ડી.પી. ગુસાઈ તથા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા યાદીમાં જણાવાયું છે.