જામનગરમાં નકલી પોલીસ દ્વારા નાગરિકો પાસેથી તોડ થતો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવકો પાસેથી એક શખ્સએ પોલીસ હોવાની ઓળખ આપી 8000 રૂપિયા પડાવી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં દિ.પ્લોટ 49 આશાપુરાના મંદિર પાસે હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા સંજયભાઈ મંગે નામનો યુવાન તેના મિત્રો સાથે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ દરમ્યાન એક શખ્સ ત્યાં પહોચી ફરિયાદીને પોલીસ હોવાની ઓળખ આપી પોતે પોલીસના યુનિફોર્મ વાળો ફોટો બતાવી ફરિયાદીને જણાવેલકે “તમે આચારસંહિતાનો ભંગ કરેલ છે જેથી તમારા ઉપર કેસ કરવામાં આવશે તેમ કહી ગાળાગાળી કરી ફરિયાદી તથા તેના મિત્રોને પટ્ટા વડે માર મારી કેશ ના કરવાના બદલામાં 25,000 રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે 8000 રૂપિયા પડાવી લીધા હતા. અને આ વાત કોઈ ને કહેશે તો ખોટા કેસમાં ફીટ કરી 10 વર્ષ સુધી જેલમાં મોકલી જન થી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સંજયભાઈ મંગેની ફરિયાદને આધારે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.