સમગ્ર રાજ્યમાં કોવીડ-19 રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે તા. 16 માર્ચથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 12 થી 14 વર્ષના બાળકોને કોરોના પ્રતિરોધક રસીના ડોઝ આપી રક્ષિત કરવાની શરૂઆત કરવામાં આવી છે.
આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લાનાં 6 તાલુકાઓમાં જિલ્લાની સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી શાળાઓ મળી કુલ 673 શાળાઓમાં 12 થી 14 વર્ષના રસીકરણનો શુભારંભ તા 16 માર્ચથી કરવામાં આવ્યો હતો.
કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ તથા જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસના ઉપક્રમે તા. 16-03-2022 તથા 17-03-2022 સુધીમાં જિલ્લાના 12 થી 14 વર્ષના 13102 જેટલા બાળકોને કોરોનાની રસી આપી રક્ષિત કરવા આવ્યા છે. આગામી શનિવાર તથા રવિવારના દિવસે પણ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આગામી દિવસોમાં કુલ 35000 જેટલા બાળકોને વેક્સીન દ્વારા રક્ષિત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના તમામ વાલીઓ પોતાના બાળકોને વેક્સીન અપાવી રક્ષિત કરવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી નમ્ર અપીલ કરવામાં આવી છે.