ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી એક હોટલ પાસે પાર્ક કરીને રાખવામાં આવેલી મોટરકારમાં વેપારના દોઢ લાખની રોકડ રકમ સાથેનો થેલો કોઈ તસ્કરો ઉઠાવીને લઈ ગયા હોવાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા અને જુદા-જુદા ગામોમાં સોપારી, પિપરમેન્ટ, બિસ્કીટ જેવી ચીજ વસ્તુઓની ફેરી કરતા સાજણભાઈ રણશીભાઈ માયાણી નામના 30 વર્ષના યુવાન ગત મંગળવાર તા.15 મીના રોજ સવારે તેમના પિતરાઈ ભાઈ ધવલ સાથે ઈક્કો મોટરકાર નંબર જીજે-21-એમ-9274 લઈને ખંભાળિયા તાલુકાના વાડીનાર તથા કજૂરડા વિસ્તારમાં માલ સામાન આપવા ગયા હતા.
બપોરે આશરે સવા વાગ્યાના સમયે તેઓ વાડીનારથી પરત આવી અને કજૂરડા ગામના પાટિયા પાસે એક આસામીની વરવાડા હોટલ સામે તેમની ઈક્કો મોટરકાર રાખી અને દુકાનોમાં માલસામાન આપવા ગયા હતા. કારને એક તરફ પાર્ક કરી, તેઓને જુદા-જુદા દુકાનદારો પાસેથી મળેલી દોઢ લાખની રોકડ રકમ ભરેલો થયેલો તેઓ તેઓએ કારમાં જ રાખ્યો હતો.
થોડીવાર બાદ સાજણભાઈએ પરત આવીને જોતા તેમની કારમાંથી રોકડ રકમ તથા કારના કાગળ વિગેરે સાથેનો થેલો જોવા મળ્યો ન હતો. આમ, પાર્ક કરવામાં આવેલી મોટરકારમાંથી કોઈ અજાણ્યા શખ્સો દોઢ લાખ રોકડ રકમ સહિતના મુદ્દામાલ ભરેલો થેલો લઈ અને ભાગી છુટ્યા હોવાનું ધ્યાન આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે સાજણભાઈ માયાણીની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.