Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયા માર્કેટિંગ યાર્ડના નવા પ્રમુખ તરીકે ચંદુબા પી. જાડેજા

ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના નવા પ્રમુખ તરીકે ચંદુબા પી. જાડેજા

ઉપપ્રમુખ પદનો તાજ પીઢ અગ્રણી જે.ડી. નકુમના શિરે

- Advertisement -
 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાનું મહત્વનું એવું માર્કેટિંગ યાર્ડ કે જે હાલ ભાજપના કબજામાં છે, આ યાર્ડની સામાન્ય ચૂંટણી તાજેતરમાં સંપન્ન થયા બાદ અહીંના માર્કેટિંગ યાર્ડના નવા પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી આજરોજ ગુરુવારે સવારે યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે ચંદુબા પ્રતાપસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ તરીકે જયંતીલાલ ડી. નકુમની વરણી કરવામાં આવી છે.
ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડના કુલ સોળ સભ્યોની ચૂંટણી ગત માસમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. મહત્વની બાબત તો એ છે કે સતત ત્રીજી વખત આ યાર્ડના તમામ સોળ સભ્યોની વરણી બિનહરીફ રીતે કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી આ ચૂંટણીમાં ખેડૂત વિભાગના દસ, વેપારી વિભાગના ચાર, તથા ખરીદ વેચાણ સંઘના બે મળી કુલ સોળ સભ્યો બિનહરીફ વિજેતા થયા છે. ભાજપ પ્રેરિત નવી વરાયેલી આ બોડીમાં આગામી સમયના માટેના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી આજરોજ ગુરુવારે સવારે અહીંના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવી હતી.
ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર જયકુમાર શાહ ઉપસ્થિતીમાં યોજવામાં આવેલી આ કામગીરીમાં નવા વરાયેલા તમામ 16 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યાર્ડના આગામી ટર્મના પ્રમુખ તરીકે તત્કાલીન ચેરમેન પીએસ જાડેજાના ધર્મપત્ની એવા ડાયરેક્ટર ચંદુબા પ્રતાપસિંહ જાડેજાના નામની દરખાસ્ત પ્રભાત કાળુભાઈ ચાવડાએ મૂકી હતી. જેને પંકજ રાણસુરભાઈ ગઢવીએ ટેકો આપ્યો હતો. જ્યારે વાઈસ ચેરમેન પદ માટે પીઢ અને નિષ્ઠાવાન આગેવાન જે.ડી. નકુમના નામની દરખાસ્ત ભીખુભા દજુભા જાડેજાએ મૂકી હતી જેને અશોકકુમાર મંગલદાસએ ટેકો આપ્યો હતો. આમ, આ બંને હોદ્દેદારોને બિન હરીફ રીતે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ગઢવી સમાજના આગેવાન રામભાઈ ગઢવી, સતવારા સમાજના આગેવાન હરીભાઈ નકુમ, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, સહિત વિવિધ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે નવા વરાયેલા ચેરમેન ચંદુબા જાડેજાના પતિદેવ પી.એસ. જાડેજાએ અગાઉ સતત ત્રણ ટર્મ દરમિયાન ચેરમેન પદે સેવાઓ આપી, અહીંના યાર્ડને સિદ્ધિના ઉચ્ચ શિખર પર પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો છે. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી યાર્ડના ડાયરેક્ટર તરીકે ચુંટાતા જે.ડી. નકુમની પણ વરણીને સૌકોઈએ આવકારી છે. તેના પ્રતિભાવમાં નવ નિયુક્ત પદ હોદ્દેદારોઓ તથા યાર્ડના તારણહાર સમાન બની રહેલા પી.એસ. જાડેજાએ સૌ કોઈના આભારની લાગણી વ્યક્ત કરી, આગામી સમયમાં યાર્ડના તમામ પ્રકારે વિકાસ માટે તમામ પ્રકારના પગલાંઓ લઈ, નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular