જામનગર શહેરના નવાગામ ઘેડમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતાં યુવાને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થતાં રિસામણે જતી રહેતા જિંદગીથી કંટાળીને તેના ઘરે પંખાના હુંકમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામઘેડમાં મધુરમ સોસાયટી 1 માં આવેલા બ્લોક નં.53/28 નંબરના રહેણાંક મકાનમાંથી સોમવારે સવારના સમયે અસહ્ય દુર્ગંધ આવતી હોવાની આજુબાજુના રહેવાસીઓ દ્વારા જાણ કરાતા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મકાનમાં તપાસ હાથ ધરતા મકાનમાં અંદર રૂમમાં પંખાના હુંકમાં સફેદ કલરના ફાળિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલો અને કોહવાઈ ગયેલો યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા આ મૃતદેહ જયદીપસિંહ દિલીપસિંહ વાઘેલા (ઉ.વ.24) નામના રીક્ષા ચલાવતા યુવાનનો હોવાની ઓળખ તેના ભાઈ સુખદેવસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.
તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરતા મૃતક યુવાનના લગ્ન 18 ફેબ્રુઆરી 2022 ના રોજ ખુશાલી નામની યુવતી સાથે લગ્ન થયા હતાં અને બન્ને આ મકાનમાં રહેતા હતાં. દરમિયાન પતિ-પત્ની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવાથી પત્ની ખુશાલી તેના ઘરે ચાલી ગઈ હતી અને ત્યારબાદ એકલા રહેતા જયદીપસિંહ એ જિંદગીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.