ધ્રોલ તાલુકાના સોયલ ગામના ટોલનાકા નજીકથી પસાર થતા યુવાન ઉપર શખ્સે 10 માસ પૂર્વે થયેલા ઝઘડામાં સમાધાનની ના પાડયાનો ખાર રાખી લોખંડના પાઈપ વડે આડેધડ જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા કરશનભાઈ બેચરભાઈ ચાવડા નામના પ્રૌઢના ભાઈ હીરાભાઈના પુત્ર ક્રિપાલને 10 માસ અગાઉ શકીલ રહેમાન ઝખરા નામના શખ્સ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે સમયે સમાધાન કરવાની કરશનભાઈના પુત્ર જીતેન્દ્રએ ના પાડી હતી. આ સમાધન ન કરવા દેવાનું મનદુ:ખ રાખી રવિવારે સવારના સમયે જીતેન્દ્ર ચાવડા (ઉ.વ.30) નામનો યુવાન ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા પાસેથી પસાર થતો હતો ત્યારે શકીલ ઝખરા નામના શખ્સે જીતેન્દ્રને આંતરીને માથામાં તથા શરીરના ભાગે લોખંડના પાઈપ વડે આડેધડ ઘા ઝીંકી માથામાં ગંભીર ઈજા પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અંગેની જાણ થતા એસસીએસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનના પિતા કરશનભાઈના નિવેદનના આધારે શકીલ ઝખરા વિરૂધ્ધ એટ્રોસિટી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.