જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે રવિવારની મધ્યરાત્રિના સમયે 11 માસ પહેલાં અકસ્માત બાદ ઝઘડાનું મનદુ:ખ રાખી બે શખ્સોએ યુવાન ઉપર ધોકા અને છરી વડે જીવલેણ હુમલો કરી સોડાની બોટલોના ઘા કર્યા હતાં. તેમજ કાર લઇને નાસતા જતા યુવાનોની કાર ઉપર છૂટા પથ્થરના ઘા મારી કાચ તોડી નાખ્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતાં ભગીરથસિંહ કેશુભા ઝાલા અને હરપાલસિંહ ઝાલા બન્ને યુવાનો રવિવારે મધ્યરાત્રિના સમયે પ્રદર્શન મેદાન ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ જોવા ગયા હતાં તે દરમિયાન હાર્દિકસિંહ ઉર્ફે બાપુડી ચુડાસમા અને જય જેઠવા નામના બે શખ્સો આ બન્ને યુવાનોને જોઇ ગયા હતાં અને 11 માસ અગાઉ ભગીરથસિંહના ભાઈ જયદેવસિંહનું એક ઓટો રીક્ષા સાથે અકસ્માત થતા હાર્દિકસિંહએ રીક્ષાવાળાનો પક્ષ લઇ ઝઘડો કર્યો હતો. તે બાબતે ભગીરથસિંહે હાર્દિકસિંહને પૂછયું હતું. જેથી હાર્દિકસિંહ અને જય જેઠવા બન્ને ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ ભગીરથસિંહ અને હરપાલસિંહ ઘરે જતાં હતાં તે દરમિયાન ગુરૂદ્વારા ચોકડી પાસે પાન મસાલો લેવા ઉભા હતાં તે સમયે હાર્દિકસિંહ અને જય જેઠવા નામના બન્ને શખ્સોએ આવીને ધોકા વડે તથા સોડાની બોટલોના છૂટા ઘા મારી હુમલો કર્યો હતો અને ત્યારબાદ બન્ને યુવાનો ઉપર પત્થર વડે તથા ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ જય જેઠવા છરી લઇને મારવા દોડતા ભગીરથસિંહ અને હરપાલસિંહ ત્યાંથી ગાડી લઇને નિકળી જતાં તેઓની જીજે-10-ડીએ-0758 નંબરની કારમાં છૂટા પત્થરોના ઘા મારી કાચ તોડી નાખ્યા હતાં.
બન્ને યુવાનો ઉપર કરાયેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ભગીરથસિંહ ઝાલાના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હુમલો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.