બિહાર પોલીસ ફોર્સમાં તૈનાત એક જવાનના લગ્ન 11 મેના રોજ થવાના હતા. પરંતુ તેના માથાના આગળના ભાગે વાળ ન હોવાથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતાની સાથે જ 24 કલાકમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ તેના માથામાં અને છાતીમાં અચાનક દુખાવો થવા લાગ્યો. બાદમાં હોસ્પિટલ લઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસમાં તૈનાત 28 વર્ષીય મનોરંજન પાસવાનના 11મે ના રોજ લગ્ન હોવાથી તેણે લગ્ન પહેલાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચાર્યું હતું. કારણકે તેના માથાના આગળના ભાગે વાળ ખરી ગયા હતા. પરંતુ જવાનની હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થતાં જ 24 કલાક બાદ તેનું મોત થયું હતું. સર્જરી પછી તે તેના ક્વાર્ટરમાં રહેવા ગયો અને રાત્રે અચાનક માથાનો દુખાવો શરૂ થયો, જ્યાં તેના સાથીદારો તેને તે જ ડૉક્ટર પાસે લઈ ગયા જેમણે સર્જરી કરી હતી. ત્યાંથી ફરીથી તેને હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.
ઘટના બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો. તેઓ સ્કિન કેર સેન્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા હતા. નાના ભાઇએ જણાવ્યું હતું કે ભાઈના મોત બાદ સ્કિન કેર સેન્ટરના માલિકનો ફોન બંધ આવી રહ્યો છે. સેન્ટર અત્યારે બંધ છે. આ સમગ્ર મામલે પોલીસ દફતરમાં ફરિયાદ કરવામાં આવી છે.