ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલ દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 3796 દુષ્કર્મના કેસ નોંધાયા છે જયારે 61 સામુહિક દુષ્કર્મના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, છોટાઉદેપુર,કચ્છમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન જે આંકડાઓ આપવામાં આવ્યા તે મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દરરોજ સરેરાશ 5 દુષ્કર્મના બનાવો બની રહ્યા છે. 12 દિવસે સરેરાશ 1 ગેંગરેપનો કેસ નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદમાં દુષ્કર્મના 729 કેસ જયારે ગેંગરેપના 16 કેસ નોંધાયા છે. સુરતમાં દુષ્કર્મના 508 અને ગેંગરેપના 5 કેસ નોંધાયા છે.
રાજ્યના 22 જિલ્લાઓ એવા છે કે, જ્યાં છેલ્લા બે વર્ષ દરમિયાન એક કે એકથી વધુ સામુહિક દુષ્કર્મના બનાવો બની ચૂક્યા છે.જેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં બે વર્ષ દરમિયાન દુષ્કર્મના 1041 અને ગેંગરેપના 25 બનાવો નોંધાયા છે. સૌથી વધુ કચ્છમાં 166 અને સૌથી ઓછા પોરબંદરમાં 24 કેસ નોંધાયા છે.
જામનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન દુષ્કર્મના 51 કેસ, સામુહિક દુષ્કર્મના 3 કેસ નોંધાયા છે. આ કેસના 4 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે. દ્વારકા જીલ્લામાં બે વર્ષમાં દુષ્કર્મના 49 કેસ નોંધાયા છે. સલામત ગણાતા ગુજરાતમાં દુષ્કર્મના કેસમાં છેલ્લા બે વર્ષમાં ચિંતાજનક વધારો થયો છે.