પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે અને પક્ષે વલણોમાં બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. પંજાબમાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. અહીં આમ આદમી પાર્ટીએ મોટા માથાઓને પછાડ્યા છે. પંજાબ કોંગ્રેસના મુખ્યમંત્રી ચન્ની બન્ને સીટ પરથી હારી ગયા. આ ચૂંટણીમાં આપના જીવનજોત કૌરે અમૃતસર પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાને હરાવ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જે લાભસિંહ ચરણજીત સિંહ ચન્નીને હરાવ્યા છે તે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં નોકરી કરે છે. પ્રથમવાર ચૂંટણી લડી રહેલા લાભ સિંહે ચન્નીને 37558 મતે હરાવ્યા છે. તો ચન્નીએ પોતાની બીજી સીટ ચમકૌર સાહિબ પણ ગુમાવી દીધી છે. પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલી ‘પેડ વુમન’ તરીકે ઓળખાતી જીવનજ્યોત કોર કે જેણે જેલોમાં મહિલા કેદીઓને સેનેટરી નેપકીન આપ્યા હતા. જીવન જ્યોત કૌરે ગરીબ મહિલાઓને પ્લાસ્ટિક સેનિટરી પેડના ઉપયોગથી થતી ખરાબ અસરો વિશે જાગૃત કરી છે. તેની સામે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા હારી ગયા છે.
પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના પુત્ર સુખબીરનો 30,930 મતોથી પરાજય થયો હતો. સુખબીર ફિરોઝપુર શિઅદથી સાંસદ છે. તેઓ જલાલાબાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ પહેલા સુખબીર ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જલાલાબાદ બેઠક પરથી તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર જગદીપ કંબોજ સામે હારી ગયા.
પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતની સુનામી વચ્ચે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ભગવંત માનની તસ્વીર સાથે ટ્વીટ કરી છે. જેમાં તેમણે કહ્યું કે પંજાબની જનતાને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન.