જામનગર સહિત હાલાર પંથકમાં ઉનાળાના પગરવ થઇ રહ્યાં છે. જામનગરમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી જતાં બપોરના સમયે શહેરીજનો આકરી ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. હોળીના તહેવારના એકાદ સપ્તાહ પૂર્વે જ સૂર્ય નારાયણનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. તેની સાથે ઠંડાપીણાના વેપારીઓ પણ સજ્જ થઇ ચૂકયા છે.
જામનગરમાં કડકડતી ઠંડીનો શહેરીજનોએ સામનો કર્યા બાદ ઉનાળાના પગરવ થતાં જોવા મળી રહ્યાં છે. શિયાળાની વિધિવત્ વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. જામનગરમાં સતત મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે. કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યાનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી તથા હવામા ભેજનું પ્રમાણ 66 ટકા નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. લઘુત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી જતાં બપોરના સમયે વાહનચાલકો તથા રાહદારીઓ આકરા તાપનો સામનો કર્યો હતો.
હોળીના તહેવાર એકાદ સપ્તાહ પૂર્વે જ મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવનએ સૂર્યનારાયણના આકરા મિજાજનો અહેસાસ કર્યો હતો. ભેજનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં ઘટી જતાં ધુમ્મસ પણ ગાયબ થતી જોવા મળી રહી છે. ઉનાળાના પગરવ સાથે ઠંડાપીણામાં પણ વધારો થશે. ત્યારે ઠંડાપીણાના વેપારીઓ પણ સજ્જ થઇ ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે. બપોરના સમયે આકરી ગરમીને પરિણામે પંખા અને એસી શરુ થઇ ચૂકયા છે.