જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં સેકટર 12 માં રહેતાં વિપ્ર મહિલાએ તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. પોલીસે મહિલાનો મૃતદેહ પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડીના સેકટર 12 માં 84 સી / 3 માં રહેતાં નેહાબેન દેવાંગભાઈ જોશી (ઉ.વ.31) નામના મહિલાએ બુધવારે રાત્રિના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાની તબિયત લથડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનુું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની મૃતકના પતિ દેવાંગભાઈ પ્રેમસુખભાઈ જોશી દ્વારા જાણ કરાતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ તથા સ્ટાફ દ્વારા હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.