આવતીકાલે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે જામનગર ટાઉન હોલ ખાતે સવારે 9:00 કલાકે મહિલા શક્તિને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાશે. આ અંગે અધિક નિવાસી કલેકટર એમ.પી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા અને તેમની ક્ષમતાઓને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે અલગ અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ‘ Gender Equality Today For sustainable Tomorrow’ની થીમ નક્કી કરવામાં આવી છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તકના વિવિધ માળખાઓ જેવા કે મહિલા શક્તિ કેન્દ્રો, સખી વન સ્ટોપ સેન્ટર, નારી કેન્દ્રો, સ્વધાર ગૃહ, 181 અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર મહિલા કલ્યાણ માટેની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપ પુન:લગ્ન યોજના, વ્હાલી દિકરી યોજના, મફત કાનુની સહાય, મહિલા સ્વાવલંબન યોજના વગેરેની માહિતી મહિલાઓ સુધી પહોંચે, ભૂલકાઓનું જે માતાની જેમ જતન કરે છે તેવા આંગણવાડી કાર્યકારોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવા, મહિલા કલ્યાણક્ષેત્રે જેઓએ યોગદાન આપેલ છે તેમને, સખી મંડળોના માધ્યમથી જે મહિલાઓએ પોતાનાં અને અન્ય મહિલાઓના જીવન ધોરણમાં સુધારો કરવા પ્રયાસો કર્યા છે તેમને અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે જે દિકરીઓએ તેમના પરિવાર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે તેવી મહિલા ખેલાડીઓને સન્માનિત કરવા તથા મહિલાઓના ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં પ્રાંત અધિકારી શહેર આસ્થા ડાંગર, મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા સંલગ્ન વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.