Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સશાબાશ બાપુ... જામનગરીઓને તમારા પર ગર્વ છે

શાબાશ બાપુ… જામનગરીઓને તમારા પર ગર્વ છે

જામનગરના જડૂ એ આખી શ્રીલંકન ટીમને ભરી પીધી : 175 રન અને 9 વિકેટ, મેન ઓફ ધ મેચ

- Advertisement -

જામનગરના જાડેજાએ મોહાલીમાં રમાયેલા પ્રથમ ટેસ્ટમાં કમાલ કરી છે. જાડેજાએ એકલા હાથે આખી લંકન ટીમને ભરી પીધી છે. પહેલા બેટિંગમાં અને ત્યારબાદ બોલિંગમાં જામનગરી કૌવત દર્શાવતાં શ્રીલંકાને ધોબી પછાડ આપી હતી. જાડેજાના આ ઓલ રાઉન્ડ પ્રદર્શનના કારણે ભારત માત્ર ત્રણ દિવસમાં ટેસ્ટ મેચ રેર્કોડ માર્જિનથી જીતી ગયું હતું.

- Advertisement -

જાડેજાએ બેટિંગ કરતાં 175 રનની અણનમ ઇનિંગ્સ રમ્યા બાદ બોલિંગમાં પણ શ્રીલંકન બેસ્ટમેનોને દિવસે તારા દેખાડી દીધા હતાં. જાડેજાના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સર જાડેજાના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનથી જામનગરનું ગૌરવ વધ્યું છે. એટલું જ નહીં જામનગરના દરેક ક્રિકેટપ્રેમીની છાતી ગજ ગજ ફૂલી છે. ભૂતકાળમાં પણ વિનુ માંકડ, સલિમ દુરાની, અજય જાડેજા જેવા ક્રિકેટરો જામનગરને ગૌરવાન્વિત કરી ચૂકયા છે.

ભારતીય ટીમે શ્રીલંકા સામેની મોહાલી ટેસ્ટમાં એક ઇનિંગ અને 222 રને જીત મેળવી છે. આ સાથે જ સ્ટાર ઓપનર રોહિત શર્માના ટેસ્ટ કેપ્ટન્સી યુગની પણ વિજયી શરૂઆત થઈ છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને પ્રથમ પારીમાં 174 રન અને પછી બીજી પારીમાં 178 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ પારીમાં આઠ વિકેટે 574 રન બનાવ્યા હતા. ભારતની જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો છે. તેણે અણનમ 175 રન બનાવવાની સાથે મેચમાં નવ વિકેટ પણ લીધી હતી.

- Advertisement -

આ મેચમાં રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે બેટિંગમાં કમાલ બતાવ્યા બાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરતા કુલ 9 વિકેટો લીધી હતી. તેણે પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે ત્રીજા દિવસે શ્રીલંકાને 174 રનમાં ઓલઆઉટ કરતાં પ્રથમ પારીમાં 400 રનની લીડ મળી હતી.

ઇનિંગ્સના માર્જિનની દ્રષ્ટિએ શ્રીલંકા સામે ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા તેણે 2017માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં એક ઇનિંગ અને 239 રનથી હાર આપી હતી. જ્યારે 2017માં પલ્લેકેલેમાં એક ઇનિંગ્સ અને 171 રનથી જીત મેળવી હતી. ઉપરાંત 2018માં રાજકોટ ખાતે વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 272 રનથી હરાવ્યું હતું. આ ટેસ્ટ મેચમાં વધુ એક ખાસ રેકોર્ડ પણ બન્યો છે. રવિચંદ્રન અશ્વિન ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજા નંબરનો બોલર બની ગયો છે. તેણે મહાન ઓલરાઉન્ડર કપિલ દેવને પાછળ છોડી દીધા છે. અશ્વિને હવે ટેસ્ટમાં 435 વિકેટ છે. કપિલ દેવે 434 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનુભવી લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 619 વિકેટ લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular