દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં ગત રાત્રે એક વૃદ્ધનું મકાન સસ્તા ભાવે મેળવી લેવાના ઈરાદે આ વિસ્તારમાં રહેતા એક શખ્સે છરીના ઘા ઝીકી આ વૃદ્ધની નિર્મમ હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગેની વિગત એવી છે કે ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલી કાણીયા મામા ચોક વાળી શેરીમાં રહેતા અને હાલ નિવૃત જીવન જીવતા મનસુરભાઈ કાસમભાઈ કોટડીયાના 63 વર્ષના વૃદ્ધના બે સંતાનો વિદેશ સ્થાયી થયેલા છે અને તેઓ અહીં એકલવાયુ જીવન વિતાવતા હોય, તેઓનું એક બંધ મકાન ભાણવડમાં દિવડી સોસાયટી ખાતે રહેતા સલીમ મનસૂરઅલી સમનાણી નામના એક યુવાનને જોઈતું હતું. આ મકાન સસ્તી કિંમતમાં સલીમને જોઈતુ હોવાથી અને મકાનના માલિક મનસુરભાઈ કોટડીયા તેમને કોઈપણ હિસાબે પોતાનું મકાન વેચવા તૈયાર નહોતા.
આ બાબતનું મનદુ:ખ રાખી, જુમા મસ્જિદ રોડ વિસ્તારમાં રહેતા આસિકભાઈ હસનઅલી કડીવાર નામના તેમના સંબંધીના ઘર પાસે આરોપી સલીમએ મનસુરભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સલીમે મનસુરભાઈને બિભત્સ ગાળો કાઢી, તેમના ઘરે સ્કૂટર પર જઈ અને તેના નફામાં રહેલી છરી મનસુરભાઈ કોટડીયાના શરીરમાં ઝીકી દીધી હતી.
આથી લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને ઇમરજન્સી 108 વાન મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આશિકભાઈ હસનઅલી કડીવાર (ઉ.વ. 27) ની ફરિયાદ પરથી તેમના મોટાબાપુની હત્યા નિપજાવવા સબબ સલીમ મનસુરઅલી સમનાણી સામે મનુષ્ય વધની કલમ 302, 504 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.