જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા)ની કારોબારી બેઠકમાં જામનગર શહેર અને કનસુમરાના કેટલાંક વિસ્તારોને હેતુફેર કરવા માટે કરવામાં આવેલી દરખાસ્તનો જામ્યુકોના વિપક્ષી નેતા આનંદ રાઠોડે વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, માત્ર કેટલાંક લોકોને ફાયદો કરાવી આપનારી આવી દરખાસ્ત જો મંજૂર કરવામાં આવશે તો તેની સામે આંદોલન તેમજ અદાલતી કાર્યવાહી કરવામાં આવશે.
વિપક્ષી નેતા આનંદ રાઠોડે જણાવ્યું છે કે, આજે યોજાઇ રહેલી જાડાની બેઠકમાં એજન્ડા નં. 16,17માં જામનગર શહેરમાં બ્રુકબોન્ડ સામેના ઔદ્યોગિક વિસ્તાર તેમજ કનસુમરા ગામના કેટલાંક વિસ્તારોને હેતુફેર કરી રેસિડેન્સ ઝોનમાં સમાવેશ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
અગાઉ 2017માં બનાવવામાં આવેલા વિકાસ નકશાને 2031 સુધી બહાલી આપવામાં આવી હતી. જે મુજબ 2031 સુધી આ નકશામાં કોઇ ફેરફાર થઇ શકે નહીં. પરંતુ જાડાના સત્તાધિશો દ્વારા ચોક્કસ લોકોને ફાયદો કરાવી આપવા માટે ઔદ્યોગિક વિસ્તારની જગ્યાનો હેતુફેર કરી તેને રહેણાંક ઝોનમાં ફેરવવાનો ઠરાવ કરવાની હિલચાલ કરવામાં આવી રહી છે. જે ગેરકાયદેસર છે.
આનંદ રાઠોડે જાડાના સત્તાધિશોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, જો આ પ્રકારે કોઇ ફેરફાર કે, હેતુફેર કરવામાં આવશે તો વિપક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે. તેમજ જરુર પડયે મુદ્ાને કોર્ટમાં પણ પડકારવામાં આવશે.