જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા મઠફળીમાં રહેતાં વિપ્ર યુવાનનું તેની પ્રેમિકા અને તેણીના પતિ તથા પુત્ર સહિતના પાંચ શખ્સોએ પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં પ્રેમીકા અને તેણીના પતિની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક પાસે આવેલા લુહારસાર રોડ પરની મઠફળીમાં રહેતો મેહુલ હરગોવિંદભાઈ આચાર્ય (ઉ.વ.45) નામના છૂટક ધંધો કરતા યુવાનને જામનગરમાં રહેતી જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને આ બન્ને વચ્ચેના પ્રેમ સંબંધોની જાણ બન્નેના પરિવારજનોને થઈ ગઈ હતી. જેના કારણે બન્ને પ્રેમીઓ વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતાં તેમજ જમના અને તેણીના પતિ નરેશ વચ્ચે મેહુલના પ્રેમસંબંધના કારણે થતા ઝઘડાઓનો ખાર રાખી નરેશ અને તેની પત્નીએ મેહુલની હત્યા નિપજાવવા માટે ગુરૂવારે રાત્રીના સમયે મેહુલ આચાર્ય ને વિકટોરિયા પુલ નજીક નરેશ બદિયાણી, જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી, સુજલ નરેશ બદિયાણી અને સુજલના મિત્ર રવિ તથા પ્રથમ મંગે નામના પાંચ શખ્સોએ એકસંપ કરી પ્રાણઘાતક હથિયારો વડે માથામાં તથા આંખ ઉપર હુમલો કર્યો હતો.
રાત્રિના સમયે યુવાન ઉપર કરાયેલા હુમલાને કારણે તેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મેહુલ આચાર્ય નામના યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ અંગેની જાણ થતા પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પિતા હરગોવિંદભાઈ આચાર્યના નિવેદનના આધારે નરેશ બદિયાણી અને તેની પત્ની જમના ઉર્ફે જીજ્ઞા અને પુત્ર સુજલ તેમજ સુજલના મિત્રો રવિ તથા પ્રથમ મંગે નામના પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા પોલીસે નરેશ બદિયાણી અને જમના ઉર્ફે જીજ્ઞા નરેશ બદિયાણી નામના દંપતીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી બન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને અન્ય ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.