દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવીણભાઈ ખેતાભાઈ ગોજીયાની કલ્યાણપુર ગામની સીમમાં આવેલી ખેતીની જમીન તથા તેની સાથે રહેણાંક મકાન નજીક પસાર થતો રસ્તો પ્રવીણભાઈ તથા અન્ય ચાર ખેડૂતોની ખાનગી માલિકીનો હતો. તેમ છતાં પણ પ્રવીણભાઈના ફુવા મેરામણભાઈ રામભાઈ ડાંગર અવાર-નવાર વાહનમાં ત્યાંથી પસાર થતાં આ બાબતે તેમની સાથે ઝઘડો થતો હતો.
આ વચ્ચે ગત તારીખ 23 એપ્રિલ 2016 ના રોજ મેરામણભાઈ તેમની વાડીમાં બોર કરવા માટે કમ્પ્રેસર વાળા બે વાહન સાથે નીકળ્યા હતા. જેથી પ્રવીણભાઈ સાથે બોલાચાલી થઇ હતી. આ સમયે આ સ્થળે પ્રવીણભાઈનો ફઈનો દીકરો બાબુભાઈ કમાભાઈ ડાંગર (ઉ.વ. આ. 30) ત્યાં સાથે હોવાથી તેણે મેરામણને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ રસ્તેથી નહીં ચાલવા જણાવ્યું હતું. આનાથી મેરામણ અત્યંત ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના નેફામાં રાખેલી ધારદાર છરી કાઢી અને બાબુભાઈની છાતીના ડાબા પડખે ઝીંકી દીધી હતી.
છરીના એક જ ઘા થી બાબુભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ફસડાઈ પડ્યા હતા અને તેમને ભાણવડથી વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જતા માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે પ્રવીણભાઈ ગોજીયાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે નિવેદન લઈ, પંચનામા બાદ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ પ્રકરણમાં સરકાર તરફે એ.પી.પી. કમલેશભાઈ દવે તથા મૂળ ફરિયાદી તરફે કુ. રાજવી બી. પીઠવા દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ પ્રકારની દલીલો તથા 29 દસ્તાવેજી પુરાવા અને 16 સાહેદોનાં નિવેદનો સહિતની દલીલોને ધ્યાને લઈ, અદાલતે આરોપી મેરામણ રામા ડાંગરને હત્યાના આરોપમાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.