આજે શિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવની આરાધના માટે સોમનાથ મંદિરે ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. આજે વહેલી સવારથી જ સોમનાથ દાદાના આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. મહાદેવને પારંપારિક પાઘનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે જ શ્ર્વેતાંબર, પિતાંબર અને પુષ્પોથી લીંગ સ્વરૂપે બિરાજેલાં મહાદેવ મનમોહક ભાસી રહ્યા હતાં. વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણભાઇ લહેરીએ વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કયુર્ં હતું તેમજ ટ્રસ્ટ તેમજ પારંપારિક ધ્વજા પૂજા અને પાલખી યાત્રા યોજવામાં આવી હતી. જાણે મહાદેવ સ્વયં નગરચર્યાએ નિકળ્યાં હોય તેઓ ભાસ થયો હતો. ભકતોએ માર્ગમાં પૂષ્પો પાથરી હર-હર મહાદેવના નાદથી વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 15 હજારથી વધુ ભકતો મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.