જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે તેમજ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી દુકાનોને તસ્કરો નિશાન બનાવી ચોરી આચરે છે. દરમિયાન જિલ્લામાં પણ આવી ઘટનાઓ વધી રહી છે. ત્યારે જામજોધપુર ગામમાં રહેતા લોહાણા વૃદ્ધાના ઘરમાં ઘુસી જઇ બે તોલાના સોનાના ચેઈનની ચીલઝડપથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ અંગેની વધુ વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી ચોરી અને ચીલઝડપની ઘટનાઓ બની રહી છે. જો કે, પોલીસ દ્વારા ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં આવી રહ્યો છે. પરંતુ વધતા જતા ચોરીના બનાવોને કારણે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરમાં વધતા જતા ચોરીના બનાવો વચ્ચે આજે સોમવારે સવારના સમયે જામજોધપુર ગામમાં રહેતા લોહાણા વૃદ્ધાના ઘરમાં અજાણ્યા તસ્કરો ઘુસી ગયા હતાં અને ધોળે દિવસે વૃધ્ધાએ ગળામાં પહેરેલ બે તોલાના સોનાના ચેઈનની ચીલઝડપ કરીને પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ વૃધ્ધાએ બુમાબુમ કરતા લોકો એકઠાં થઈ ગયા હતાં અને જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ચીલ ઝડપનો ભોગ બનેલા વૃધ્ધાના નિવેદનના આધારે તસ્કરોનું વર્ણન મેળવી ચીલઝડપનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.


