જામનગરમાં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું તબીબો એ જાહેર કર્યું હતું. ધ્રોલ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા શખ્સે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં 58 કામાનગરમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ ગુરુમુખદાસ દામા (ઉ.વ. 39) નામના યુવાને અગમ્ય કારણોસર પોતે ઝેરી દવા પી શુક્રવારે નદીના પટમાં બેભાન અવસ્થામાં મળી આવતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે ગઈકાલે શનિવારે મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ગુરુમુખદાસ નાથાલાલ દામા દ્વારા જન કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પીટલે પહોચી જઈ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા બનાવમાં, મૂળ જાયવા ગામના વતની અને હાલ ધ્રોલમાં ગોકુલપાર્ક વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા ધિરજભાઈ નાગજીભાઈ વેગડ (ઉ.વ.68) નામના વૃદ્ધનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી લેણુ વધી ગયું હતું. જેના કારણે વૃધ્ધને અવાર-નવાર નબળા વિચારો આવતા હતાં. આવા વિચારો અને સ્થિતિથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે ધ્રોલમાં આવેલા સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યાં પ્રૌઢની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઘનશ્યામભાઈ વેગડ દ્વારા જાણ કરાતા હેકો ડી.પી.વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.